ટર્મ ઇન્સ્યોરન્સ ઉત્પાદનોમાં બજારમાં ઉપલબ્ધ વિકલ્પો

ટર્મ ઇન્સ્યોરન્સમાં અનેકવિધ વિકલ્પો ઉપલબ્ધ છે… તમારી જરૂરિયાત નક્કી કરો અને પ્રોડક્ટ પસંદ કરો.
કોવીડ મહામારી બાદ લોકોમાં જીવન વીમા ઉત્પાદનોની જાગૃતિ ઘણી વધી છે. અને સરકાર પણ જીવન વીમા ઉત્પાદક કંપનીઓ પાસે વિવિધતાસભર ઉત્પાદનો તૈયાર કરાવી રહી છે. જેથી વધુમાં વધુ લોકો જીવન વીમા કરારો કરે અને પોતાના પરિવારોને આર્થિક રીતે સુરક્ષિત કરે. જો તમે ટર્મ ઇન્સ્યોરન્સ લેવા માંગો છો, તો આજના લાઇફ ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીઝમાં રોકાણકારો માટે કેવળ રાઇડર્સ જ નહિ, પરંતુ અનેકવિધ વિકલ્પો ઉપલબ્ધ છે. જેથી તમે જો થોડોક અભ્યાસ કરો તો કેવળ ટર્મ પ્રોટેક્શન થી ઘણું બહેતર ઉત્પાદન તમને આજે ઉપલબ્ધ છે.
(૧) કેવળ ગેરહાજરીના કિસ્સામાં જ લાભઃ આ ટર્મ ઇન્સ્યોરન્સ સૌથી જુનો અને જાણીતો છે. જેમાં ગેરહાજરી થાય તો જ વીમાધારકના વારસદારને વીમાની રકમની ચુકવણી કરવામાં આવે છે. પોલિસી ની મુદ્દત દરમિયાન જો રોકાણકારની ગેરહાજરી ન થાય તો ભરેલા પ્રિમીયમો પરત્વે કોઇ વળતર ચુકવવામાં નથી આવતું. અલબત્ત, આ પ્રોડક્ટ ખુબ જ સસ્તી હોવાના કારણે વધુ લોકપ્રિય છે. જેથી બાકીની આવકને મહત્તમ મૂડીવૃદ્ધિ વાળા ઉત્પાદનોમાં રોકી અને મૂડીવૃદ્ધિ કરવાનું જોખમ પુરતી ક્ષમતા સાથે લઈ શકે છે.
આ પ્રકારમાં ૧૦૦ વર્ષ સુધીમાં ગેરહાજર થાય તો પાછળ વારસદાર ને વીમારકમ મળવાના કરારો બજારમાં ઉપલબ્ધ છે. પ્રિમીયમ ભરવા માટે સિંગલ પ્રિમીયમ / ૫ વર્ષ / ૧૦ વર્ષ / ૧૨ વર્ષ / ૬૦ વર્ષની ઉંમર સુધી પ્રિમીયમ ચુકવવાના વિકલ્પો અથવા રેગ્યુલર પ્રિમીયમ જેવા વિકલ્પો સાથે આવા ઉત્પાદનો બજારમાં ઉપલબ્ધ છે. જેઓ કેવળ કમાય છે, ત્યાં સુધી જ વીમાકરાર કરવા માંગે છે અથવા પોતાના પરિવારજનોને વારસામાં રકમ આપવા માંગે છે, તેઓ માટે આ વિકલ્પ ઉપયોગી છે.
આ પ્રકારના ઉત્પાદનો પર હાલ પ્રથમ વર્ષ અને રિન્યુઅલ પ્રિમીયમ ઉપર ૧૮ ટકા જી.એસ.ટી. લાગુ પડેલ છે. ભવિષ્યમાં સરકાર જી.એસ.ટી. પર જે વધ-ઘટ કરે તે બેઝીક પ્રિમીયમ પર લાગુ પડશે.
(૨) ગેરહાજરી ન થાય તો ભરેલ પ્રિમીયમ પરતઃ આ ટર્મ ઇન્સ્યોરન્સ કરારની મુદ્દત દરમિયાન જો ગેરહાજરી થાય છે, તો તે કિસ્સામાં વારસદારને વીમાની રકમ કંપની ચુકવશે. પરંતુ, મુદ્દત પુરી થયે જો રોકાણકાર હયાત હોય તો તેમણે ભરેલ તમામ બેઝીક પ્રિમીયમ રોકાણકારને પરત ચુકવી દેવામાં આવે છે. સામાન્ય રીતે આ પ્રકારની રિફંડ ઓફ પ્રિમીયમ પ્રોડક્ટ્સમાં મહત્તમ ૪૦ વર્ષ જેવી લિમીટ હોય છે. એટલે કે ૩૫ વર્ષ થી ઓછી ઉંમરના રોકાણકારોના આ કરારો તેઓની ૭૫ વર્ષની ઉંમર સુધીમાં સમાપ્ત થઈ જાય છે. અને બદલામાં જો જીવીત છે, તો ભરેલ તમામ બેઝીક પ્રિમીયમ ( એટલે કે જી.એસ.ટી. સિવાયના પ્રિમીયમ ) કે તેનાથી થોડી જ વધુ રકમ પરત થઈ જાય છે.
જ્યારે પ્રિમીયમ ભરવાના વિકલ્પોમાં સિંગલ પ્રિમીયમ / ૫ વર્ષ / ૧૦ વર્ષ / ૧૨ વર્ષ કે રેગ્યુલર પ્રિમીયમ જેવા વિકલ્પો સાથે આવા ઉત્પાદનો બજારમાં ઉપલબ્ધ છે.
રિફંડ ઓફ પ્રિમીયમ પ્રોડક્ટસ પર હાલ પ્રથમ વર્ષ પર ૪.૫ ટકા અને રિન્યુઅલ પ્રિમીયમ પર ૨.૨૫ ટકા જી.એસ.ટી. દર હાલ અમલમાં છે. ભવિષ્યમાં સરકાર જી.એસ.ટી. પર જે વધ-ઘટ કરે તે બેઝીક પ્રિમીયમ પર લાગુ પડશે.
(૩) ટર્મ ઇન્સ્યોરન્સ કમ યુલિપ ઓપ્શનઃ આજના રોકાણકારો સામે લાંબા ગાળાના આયોજનો માટે બે સૌથી મોટા પડકાર છે. (૧) પરિવારની આર્થિક સુરક્ષા અને (૨) નિવૃત્તિ આયોજન. પહેલા વિકલ્પમાં ગેરહાજરીના કિસ્સામાં જ વીમારકમ ચુકવાય છે. અને બીજા વિકલ્પમાં કેવળ ભરેલ પ્રિમીયમ પરત ચુકવાય છે. જ્યારે ભરેલ પ્રિમીયમ પર મૂડીવૃદ્ધિ પણ ચુકવવા માટે છેલ્લા કેટલાક સમયથી ટર્મ ઇન્સ્યોરન્સ સાથે યુનિટ લિંન્ક ઇન્સ્યોરન્સ પ્લાન (શેરબજાર સાથે જોડાયેલ રોકાણ) ઉત્પાદન પણ બજારમાં રોકાણકારોની માંગને ધ્યાને લઈ અને ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. પહેલા જ દિવસથી ટર્મ ઇન્સ્યોરન્સ અમલમાં આવી જાય છે અને ભરેલ પ્રિમીયમ કંપનીના મ્યુચ્યુઅલ ફંડ્સ મારફતે મની માર્કેટમાં રોકાય છે. રોકાણકારને ભરેલ પ્રિમીયમ પૈકી ખર્ચાઓ બાદ કરી અને જે રકમ વધે તેના યુનિટસ જમા આપી દેવામાં આવે છે. અને યુનિટની કિંમત મુજબ રોકાણમાં વધ-ઘટ થતી રહે છે.
આ પ્રોડક્ટમાં રોકાણકારની મોટા ભાગની જરૂરિયાતોને સાંકળી લેવામાં આવી છે. જેમ કે ટર્મ ઇન્સ્યોરન્સ, શેરબજારનો ગ્રોથ, રોકાણકારને અમુક વર્ષો પછી પૈસાની જરૂરિયાત ઊભી થાય તો તે ફંડ વેલ્યુમાંથી ઉપાડી પણ શકે છે. અને મેચ્યોરીટી ઉપર શેરબજાર મુજબ થયેલ ફંડ વેલ્યુ રોકાણકારને પરત ચુકવાઇ જાય છે.
પોલિસી દરમિયાનમાં ગેરહાજરીના કિસ્સામાં વારસદારને વીમારકમ ચુકવાય છે, અથવા રોકાણકાર હયાત હોય તો નિવૃત્તિ અવસ્થામાં સિસ્ટમેટીક વિથડ્રોલ કરવા હોય તો તેમ અને નહિ તો પાક્તી મુદ્દતે સારું ભંડોળ લિવીંગ બેનિફિટમાં પરત મળે છે.
આ ઉત્પાદનમાં પણ વધુમાં વધુ ૪૦ વર્ષ જેવા કરાર થઈ શકે છે. પ્રિમીયમ ભરવા માટે ૫ વર્ષ / ૧૦ વર્ષ / ૧૨ વર્ષ કે રેગ્યુલર પ્રિમીયમ જેવા વિકલ્પો બજારમાં ઉપલબ્ધ છે.
પ્યોર ટર્મ ઇન્સ્યોરન્સ કરતાં આ ઉત્પાદન મોંઘા હોય છે. પરંતુ, તેની સામે પાકતી મુદ્દતે ભરેલ પ્રિમીયમના ચાર થી પાંચ ગણા પૈસા પરત કરવાની ક્ષમતા આ ઉત્પાદનો ધરાવે છે.
(૪) ટર્મ ઇન્યોરન્સ વીથ લાઇફ ટાઇમ ઇન્કમ ઓપ્શનઃ ટર્મ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ્સમાં સૌથી ઉત્તમ વિકલ્પ હોય તો આ વિકલ્પ છે. કારણ કે આ વિકલ્પ પરિવારને નિવૃત્તિ સુધી આર્થિક સુરક્ષા પુરી પાડે છે, ત્યારે બાદ નિશ્ર્ચિત થયેલ રકમ આજીવન રોકાણકારને મળતી રહે છે, એટલે પેન્શન વ્યવસ્થા આ જ વિકલ્પમાં સમાવિષ્ટ થઈ જાય છે. અને રોકાણકાર જ્યારે ગેરહાજર થાય ત્યારે કુલ વીમારકમમાંથી જેટલી રકમ ઇન્કમ તરીકે ચુકવી દેવામાં આવી છે, તે બાદ કરતા બાકી વધતી રકમ વારસદારને ચુકવી દેવામાં આવે છે.
પોલિસી મુદ્દત આજીવન સુધીની હોય છે અને પ્રિમીયમ ભરવામાં પણ ૫ વર્ષ / ૧૦ વર્ષ જેવા વિકલ્પો ઉપલબ્ધ હોય છે.
આ ઉત્પાદનમાં પણ પહેલા વર્ષના પ્રિમીયમ ઉપર ૪.૫૦ ટકા જી.એસ.ટી. તેમજ રિન્યુઅલ પ્રિમીયમ ઉપર ૨.૨૫ ટકા જી.એસ.ટી. દર હાલ અમલમાં છે. ભવિષ્યમાં સરકાર જી.એસ.ટી. પર જે વધ-ઘટ કરે તે બેઝીક પ્રિમીયમ પર લાગુ પડશે.
આ લેખ આપની સમક્ષ રજુ કરવાના બે મુખ્ય હેતુ છે. એક તો જો તમે ટર્મ ઇન્સ્યોરન્સ હજી ન લીધો હોય તો આજની તારીખમાં કેવળ રાઇડર્સ જ નહિ, ટર્મ ઇન્સ્યોરન્સમાં પણ અનેકવિધ વિકલ્પો બજારમાં ઉપલબ્ધ છે. માટે યોગ્ય વિકલ્પોની જાણકારી મેળવ્યા બાદ જ ટર્મ ઇન્સ્યોરન્સ ખરીદવાનો આગ્રહ રાખો. અને બીજું ઘણા રોકાણકારો એ અગાઉ થી જ ટર્મ ઇન્સ્યોરન્સ લીધેલ છે. પરંતુ, આજની આવકના સંદર્ભમાં તેઓની એલિજીબીલીટી વધી ગઈ છે. તો તે કિસ્સામાં જે ગેપ છે, તે પુરવા માટે આજે બજારમાં પહેલા કરતાં ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે, માટે તે વિકલ્પો વિષે પુરી માહિતી મેળવી અને વિના વિલંબે ટોપ અપ કરાવી લે. કારણ કે ટર્મ ઇન્સ્યોરન્સ ના પ્રિમીયમ ઉંમર સાથે સંકળાયેલા હોય છે. માટે જેટલું મોડું કરશો તેટલો ટર્મ ઇન્સ્યોરન્સ મોંઘો પડશે. કોવીડ મહામારીના સાક્ષી આપણે સૌ સમજી ચુક્યા છીએ કે આપણા પરિવારને સૌથી વધુ જરૂરિયાત આજની તારીખમાં આર્થિક રીતે સુરક્ષિત કરવાની છે. માટે જો તમે પણ ટર્મ ઇન્સ્યોરન્સ નથી લીધો કે અન્ડર ઇન્સ્યોર્ડ છો, તો હવે મોડું ન કરો.