ટર્મ પ્રોટેક્શન લેવામાં મોડું ન કરતા… પ્રિમીયમ વધી શકે છે.

ટેક્સસેવિંગ ઉપરાંત દરેક કમાનારના કેટલાક કોમન નાણાકીય હેતુઓ હોય છે, પોતાના પરિવારને બહેતર જીવનશૈલી પુરી પાડવી, પોતાના સંતાનોને પૈસાના અભાવે પસંદગીની શૈક્ષણીક કારકિર્દીથી સમાધાન ન કરવું પડે તથા સંતાનોના લગ્ન પ્રસંગે સામાજીક રીતીરિવાજ મુજબ ધામધૂમ કરવી તેમજ જીવનના અંતિમ ચરણમાં પોતાનું અને પોતાના જીવનસાથીનું આનંદપ્રદ અને આશ્રિતમુક્ત નિવૃત્તિજીવન.
માનવજીવનનો આલેખ દોરવામાં આવે તો ‘X’ ધરી પર તેની ઇચ્છાઓ મુકીએ તો ‘Y’ ધરી પર જે તે ઇચ્છાઓ સામે હકિકત મુકવી પડે. આપણે જેમ ઇચ્છી શકીએ છીએ તે જેટલું વાસ્તવિક છે, તેટલું જ માણસને પોતાનો જન્મદિવસ જ માલુમ છે, મૃત્યુદિવસ નહિ, તે પણ સચોટ વાસ્તવિક છે. અને ટર્મ ઇન્સ્યોરન્સ માનવીની ઇચ્છાઓ અને તે પુરી થતા પહેલાં જ ગેરહાજર થઈ જવાની દુઃખદ વાસ્તવિક્તા વચ્ચેનું સંધાન છે. આજના સમયમાં દરેક કમાનાર કે જેઓ પરિણીત છે, પરિવાર છે, તેઓએ જો ટર્મ પ્રોટેક્શન ન લીધું હોય તો સૌ પહેલા કારકિર્દી દરમિયાન પોતે જે પૈસા કમાવાનો છે + જો લોન લીધી હોય તો તે દેવાની રકમ જેટલો ટર્મ ઇન્સ્યોરન્સ લઈ લેવો અતિ આવશ્યક છે.
કોરોના મહામારીમાં કુલ ગેરહાજર થનાર પૈકી ૩૫% થી વધુ લોકો ૨૧ થી ૬૦ વર્ષ વચ્ચેના વયજૂથના હતા. તે પૈકી જેઓએ ટર્મ ઇન્સ્યોરન્સ નહિ કરાવ્યો હોય તેમના પરિવારોનો અત્યારે સૌથી પ્રાણપ્રશ્ર્ન લિક્વીડ ઇન્કમ હશે. સ્વજનને ગુમાવ્યાનો આઘાત સમય જતા ઓછો થતો જાય છે, પરંતુ, તેમની સાથે ગેરહાજર થયેલી આવકનો આઘાત સમય જતા વધુ પીડાદાયક સ્વરૂપ લેતો જાય છે.
કંપની, પ્રોડક્ટ, પોલિસીની મુદ્દત, પ્રિમીયમ ચુકવવાની મુદ્દત વિગેરે તમારી નાણાકીય અનુકુળતા મુજબ તમે નક્કી કરી શકો છો. પરંતુ, બને તો કેવળ સસ્તા પ્રિમીયમથી આકર્ષાવાના બદલે બ્રાંડ, ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો, ક્લેઇમ રિજેક્શન રેશિયો, એસેટ અંડર મેનેજમેન્ટ તેમજ સોલવન્સી રેશિયો પણ ધ્યાનમાં લો.
IRDA દ્વારા ટર્મ ઇન્સ્યોરન્સ ઉત્પાદનોમાં આજે ઘણી વિવિધતાઓ ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. જેમાં મુખ્યત્વે લિમિટેડ પિરીયડ પ્રોડક્ટસ તેમજ ૧૦૦ વર્ષ સુધી અમલમાં રહે તેવા કરારો પણ ઉપલબ્ધ છે. પ્રિમીયમ ભરવામાં લિમિટેડ પે તેમજ રેગ્યુલર પે જેવા વિકલ્પો પણ ઉપલબ્ધ છે. તથા ભરેલા પ્રિમીયમો પાકતી મુદ્દતે રિફંડ થઈ જાય તેવા કરારો પણ છે. ટુંકમાં ગ્રાહકોને પસંદગીનો બહોળો અવકાશ આજે ટર્મ ઇન્સ્યોરન્સમાં છે, જેમાં જરૂરિયાત મુજબ અકસ્માત તેમજ અપંગતાનું, ક્રિટીકલ ઇલનેસ તેમજ અન્ય રાઇડર ગ્રાહક અલગથી પ્રિમીયમ ભરીને ઉમેરી શકે છે. અથવા રાઇડર સાથે મળતા કરારો ખરીદી શકે છે.
ભારત જીવન વીમાકરારોના સંદર્ભમાં આંશિક જાગૃતિની સ્થિતિનો સામનો કરી રહ્યું છે. જેને કારણે મોટા ભાગના કમાનાર લોકો પુરતો ટર્મ ઇન્સ્યોરન્સ કરાર કરવાની બદલે આંશિક પ્રોટેક્શન લઈ અને સંતોષ અનુભવે છે. અથવા ટર્મ ઇન્સ્યોરન્સને અવગણે છે. પરંતુ, ટર્મ ઇન્સ્યોરન્સનું કોઇ હરિફ ઉત્પાદન મની માર્કેટમાં નથી. સરકાર આ પ્રિમીયમને 80C માં પણ સમાવે છે. તો ટુંક સમયમાં ટર્મ પ્રોટેક્શન મોંઘા થવા જઈ રહ્યા છે, ત્યારે સૌ પ્રથમ અગ્રતા ટર્મ ઇન્સ્યોરન્સ લેવાને આપો. ટર્મ ઇન્સ્યોરન્સના કરારો તમારી માનસિક શાંતિ માટે જ બનેલા છે. અને તમારી અકાળે ગેરહાજરીના કિસ્સામાં તમારા પરિવારનું આર્થિક રક્ષાકવચ છે. અંતમાં કેવળ એટલું જ લખીશ,
जो परिवार से करे प्यार, वो टर्म इन्स्योरन्स से कैसे करे इन्कार ?