નિવૃત્તિ આયોજનમાં t20 ફોર્મેટ નહિ, ટેસ્ટ મેચ જ પસંદ કરો.

નિવૃત્તિનું આયોજન એ હાલ ભારતના લોકો માટે સૌથી ગંભીર પ્રશ્ર્ન પૈકી એક સાબિત થઈ રહ્યો છે. ભારતની સામાજીક વ્યવસ્થા, સતત ઘટી રહેલા બેંક વ્યાજ દરો, સતત વધી રહેલી મોંઘવારી, નાબુદ થયેલ પેન્શન પ્રથા, ખાનગી ક્ષેત્રોમાં નોકરીની અસલામતી, સુધરતું જતું જીવન ધોરણ, વધી રહેલી વિભક્ત કુટુંબપ્રથા, છૂટાછેડાના વધી રહેલા કિસ્સાઓ, કારકિર્દી માટે અન્ય સ્થળે સ્થળાંતર, એક કમાય અને ત્રણ કે તેથી વધુ ખાય, વીમાજાગૃતિનો અભાવ, સમય સાથે રોકાણમાં વૈવિધ્યકરણની સ્વિકૃત્તિનો અભાવ તથા નાણાકીય સલાહકારની નાણાકીય આયોજનમાં અવગણના વિગેરે પરિબળોના કારણે નિવૃત્તિ આયોજનનો નાણાકીય હેતુ હરહંમેશ હાસ્યામાં જ ધકેલાય રહેલો મહદ્દઅંશે જોવા મળે છે.
ભારત સરકારે આ પડકારને પહોંચી વળવા ઘણી મથામણ કરી છે. લોકો નિવૃત્તિ તેમજ અન્ય નાણાકીય આયોજનને સમયસર ન્યાય આપી શકે તે માટે વધુ ને વધુ મ્યુચ્યુઅલ ફંડ સલાહકાર તેમજ વીમા સલાહકાર તરીકે પાર્ટ ટાઇમ કે ફુલ ટાઇમ કારકિર્દી સાથે સમાજમાં જોડાય રહ્યા છે. રોકાણના ઉત્પાદન તરીકે નિવૃત્તિ આયોજન માટે શ્રેષ્ઠત્તમ વીમા ઉત્પાદનો, મ્યુચ્યુઅલ ફંડસ ઉત્પાદનો, એન્યુઇટી પ્રોડક્ટ્સ તેમજ PPF ઉત્પાદનો આજે ભારતમાં ઉપલબ્ધ છે. પણ ખાટલે મોટી ખોટ participation ની છે.
રોકાણકારના નાણાકીય હેતુઓનો X-Ray લેવામાં આવે તો રજાઓમાં ફરવા જવાનો હેતુ, હનીમુન પર વિદેશ જવાનો હેતુ, મોંઘી બ્રાંડના સ્માર્ટ ફોન બદલતા રહેવાનો હેતુ, લક્ઝરી કાર લેવાનો હેતુઓ ટુંકમાં જે ઉંમરે મહત્તમ સંચય કરવાનો છે, તે ઉંમરે આજની પેઢીમાં જીવન શૈલી બહેતર કરવામાં ખર્ચ કરતી જોવા મળે છે. અને ત્યાર બાદ તે સંતાનોને શિક્ષિત કરવામાં અને છેલ્લે તેમના લગ્ન પ્રસંગોમાં નિવૃત્તિ આયોજનને ન્યાય આપવામાં વંચિત થઈ જાય છે. અને નિવૃત્તિ આવી જાય છે. સંતાનોના ભરોસે નિવૃત્તિજીવન મુકાય જાય અને પછી માલુમ પડે કે સંતાનો જ હજી તેમની આવક પર નભાવવા પડે તેમ છે. અને લાગણીવિભોર બની અને નિવૃત્ત થયેલ વ્યક્તિ પરિવારનો આર્થિક ટેકો જાળવી રાખવા ઓછા વિનિમયદરે પણ ફરી નોકરીમાં પ્રવૃત્ત થઈ જાય છે.
આવા કિસ્સાઓ દાડેદિવસે વધી રહ્યા છે, પરંતુ, આવક શરૂ થાય ત્યારથી નિવૃત્તિ આયોજનના હેતુ માટે એક ગલ્લો બનાવો. જેમાં પબ્લીક પ્રોવિડંડ ફંડ ( PPF), ટ્રેડીશનલ વીમા ઉત્પાદનો કે મ્યુચ્યુઅલ ફંડ સિસ્ટમેટીક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન જેવા ઉત્પાદનોમાં કમાવાની શરૂઆતથી ૧૦ વર્ષ સુધી માસિક આવકનાં ઓછામાં ઓછા ૩૦% જેટલું રોકાણ કરો. આ તબક્કો એવો છે, જ્યારે રોકાણકાર ઉપર અન્ય કોઇને પોષવાની જવાબદારી નથી. માટે તે ધારે તેટલી બચત કરી શકશે. ત્યાર પછી માસિક આવકના ઓછામાં ઓછા૧૦% નિવૃત્તિ આયોજન માટે રોકો. અને બીજા અન્ય કોઇપણ નાણાકીય હેતુઓ માટે આ ગલ્લાને તોડશો નહિ. આ તમારી નિવૃત્તિજીવનની આવકનો સંચય થઈ રહ્યો છે. જો આ ગલ્લાને નિવૃત્તિ પહેલાં જ તોડી નાંખશો, થયેલી બચત ખર્ચી નાંખશો, ફરી તો આજની સ્થિતિમાં બચત જ ભેગી કરી નહિ શકાય. અને સરવાળે નિવૃત્તિજીવનમાં બચતભંડોળમાં સંચય તો નહિ થઈ શકે પરંતુ, તે ગલ્લામાંથી દર મહિને આવક જરૂરી હોય, નિવૃત્તિજીવનનો ગલ્લો એટલો વહેલો ખાલી થઈ જશે. અને પછી નિવૃત્તિજીવન સંઘર્ષમય વિતશે.
માટે જ નિવૃત્તિ ભલે કમાતી કારકિર્દીના ૩૦ – ૩૫ વર્ષ બાદ આવવાની હોય, પછી કેટલા વર્ષ જીવવાનું છે, તે માલુમ નથી, મોંઘવારી, વ્યાજદર વિગેરે પર આપણો અંકુશ નથી, માટે જાગ્યા ત્યારથી સવાર સમજી જો પેન્શનવાળી નોકરી ન હોય કે ધંધાદારી હોય તે સર્વે એ આજથી જ નિવૃત્તિ આયોજન માટે આવકનો એક હિસ્સો અલગ કરતા જવો સલાહ ભરેલો છે. જો આ માટે t20 ફોર્મેટમાં રમી લઈશું તેવા ભરોસે રહેનારને તે હેતુ માટે મેચ રમવા મળશે કે નહિ તે જ આજની મનીમાર્કેટમાં મોટો પ્રાણપ્રશ્ર્ન છે, આજે ટેસ્ટ મેચ રમવાની તક છે, તો ખેલવા લાગો.