બચત સંકલ્પ – ૨૦૨૧

રોકાણ માટે આજના સમયમાં વિવિધ વિકલ્પો ઉપલબ્ધ થયા છે કે જેમાં શેની પસંદગી રોકાણકારે કરવી તે માટે રોકાણકાર પાસે સરેરાશ જાણકારી આવશ્યક બની રહે છે.
બચત કરવા માટે રોકાણકારો સામે ઉપલબ્ધ બે વિકલ્પો છે તેમાં માસિક બચત યોજના (રિકરીંગ) કે ફિક્સ તેવા બે વિકલ્પ મુખ્ય રહેલા છે. અને વળતર માટે ગેરેન્ટેડ કે નોન-ગેરેન્ટેડ એવા વિકલ્પો રહેલા છે. આવા નોન-ગેરેન્ટેડ ઉત્પાદનોને રોકાણકાર વર્ગ જોખમી રોકાણ ઉત્પાદનો તરીકે ગણાવે છે.
પરંતુ, આજના સમયમાં રોકાણ ચાહે તે ગેરેન્ટેડ હોય કે નોન-ગેરેન્ટેડ, જોખમપ્રદ તો છે જ.
શું ગેરેન્ટેડ વળતર આપતા ઉત્પાદનો જોખમી નથી?
એક તરફ જ્યારે આજે ગેરેન્ટેડ વળતર આપતા સાધનો ૬% કે ૭% વળતર ઓફર કરી રહ્યા છે, જે પાકતી મુદ્દતે તેટલા જ ઓફર કરશે તેની કોઇ ખાત્રી આપતા નથી. ત્યારે બીજી તરફ દૂધ, પેટ્રોલ કે શાકભાજી અને કિરાણાના ભાવ વ્યાજ દર કરતા અનેકગણા વધી રહ્યા છે. પરિણામે વર્ષાન્તે રૂપિયો પોતાની ખરીદશક્તિ ગુમાવી રહ્યો છે. જે એક વાસ્તવિક જોખમ (Real Risk) છે.
૫ વર્ષ કે તેનાથી વધુ સમય માટેના નાણાકીય હેતુઓ માટે આ વ્યવસ્થા નિરાશાજનક છે. લાંબાગાળાના નાણાકીય હેતુઓ માટે મોંઘવારી સામે રૂપિયો ઓછો ઘસાય તેવી વ્યવસ્થા આવશ્યક છે. અને માટે જ જેમ ટેલિફોનની જગાએ સ્માર્ટ ફોન અને સ્કુટરની જગાએ બાઇકે જગા મેળવી લીધી, તેમ જ લાંબા ગાળાના નાણાકીય હેતુઓ જેવાકે સંતાનોના ભાવિ અભ્યાસનો ખર્ચ, સંતાનોના લગ્નનો ખર્ચ તેમજ નિવૃત્તિના સમયમાં પેન્શન જેવી લિક્વીડીટી મેળવી શકાય તે માટે આવશ્યક ભંડોળ માટે મ્યુચ્યુઅલ ફંડ માસિક બચત યોજના, સિસ્ટમેટીક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન અન્ય ઉત્પાદનોની સરખામણીએ વધુ પરિણામલક્ષી ગણાવી શકાય.
આ અભિયાન અંતર્ગત ભાવનગરમાં મારા સિનિયર શ્રી ભુરાજીભાઇ એ મને તેમના ઓળખીતા મિત્રના હીરાના કારખાનામાં કામ કરતા મિત્રો સાથે સંવાદ કરવા વ્યવસ્થા કરી આપી. શનિવારે તેઓએ મારા વનપેજર કારીગરોમાં વિતરણ કરાવી આપ્યા અને જેઓને જાણવામાં રસ હોય તેઓને રવિવારે સવારે ૧૧.૦૦ વાગે આવવા જણાવ્યું. અમારા આશ્ર્ચર્ય સાથે બાર થી પંદર કારીગર મિત્રો આવ્યા. અમારો સંવાદ ૧ વાગ્યા સુધી ચાલ્યો. આ મિત્રોમાંથી મોટાભાગના મિત્રો પરિણીત હતા, સંતાનો પણ હતા અને આવકનો એક માત્ર સ્ત્રોત હતા પરંતુ, મોટાભાગના મિત્રો બચતયોજનામાં જોડાયેલ ન હતા. ઇચ્છા તો હતી પરંતુ માળખાગત જાણકારીનો અભાવ હતો. પરિણામે તેઓ ૧૭૦૦ થી ૨૦૦૦ રૂપિયા વ્યસન પાછળ ખર્ચી રહ્યા છે. પરંતુ, ભાવિ જરૂરિયાતને ધ્યાને લઈ અને પાઇ પૈસાની બચત કરવાની પહેલ હજી નથી કરી.
આ મિત્રોને સૌ પ્રથમ મેં બચતનું મહત્વ સમજાવ્યું. અને ત્યાર બાદ આ જ બચત મ્યુચ્યુઅલ ફંડ માસિક બચત યોજના મારફતે કરવામાં આવે તો સંભવિત લાભ વિશે માહિતગાર કર્યા.
શેરબજાર જરૂર જોખમી છે. પરંતુ, મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ સુશિક્ષિત મેનેજરને ફંડની જવાબદારી સોંપે છે. તેમજ કયા શેર્સ લેવા તે નક્કી કરવા અતિઆધુનિક સોફ્ટવેર્સ પણ આ મેનેજરોને આપે છે. જે દરેક કંપનીઓની તમામ માહિતી આ મેનેજર્સને પુરી પાડે છે. જેથી ક્યારે કયા શેર્સ ખરીદવા અને ક્યારે વેંચવા તેનો નિર્ણય વધુ સારી રીતે લઈ શકાય છે.
બીજી સારી વાત તમો આ બચત યોજનામાં માસિક ૧૦૦ રૂપિયાથી પણ જોડાય શકો છો. જ્યારે સીધુ શેરબજારમાં રોકાણ કરવા માટે કેવળ સુજ નહિ, વધુ મૂડી જોઇએ.
આમ, મ્યુચ્યુઅલ ફંડ માસિક બચત યોજના શિસ્ત અને સુજનો સુમેળ છે. જેમાં રોકાણકારો ૫ કે તેનાથી વધુ વર્ષ મહિને દર મહિને બચત કરતા રહે તો અપવાદ કિસ્સાઓને બાદ કરતા ફાયદામાં જ રહે છે. જે તમો પણ ગુગલ પર જઈ અને ચકાસી શકો છો.
આ સંવાદના અંતે આ મિત્રોમાંથી કેટલાક મિત્રો માસિક બચત યોજનામાં બચત સંકલ્પ માટે આગળ આવ્યા અને જિજ્ઞેશભાઇ સિદ્ધપુરાએ મને ૧૦૦૦/- નો ચેક અને દર મહિનાની ૨૦મી તારીખે બેંક એકાઉન્ટમાંથી બચતમાં ૧૦૦૦/- રૂપિયા જાય તેવી વ્યવસ્થા ગોઠવી આપવા સંમતિ પણ આપી. બીજા પણ મિત્રો બચત સંકલ્પ કરવાનું વિચારી રહ્યા છે આ જૂથમાંથી.
શ્રી ભુરાજીભાઇનો ખુબ ખુબ આભાર, તેઓએ લીધેલ એક નાનકડી પહેલથી કેટલાક ઘરોમાં બચતનો દિવો પ્રગટશે અને ભવિષ્યને સુરક્ષા આપશે.
મોંઘવારી છે તેનાથી પણ વધવાની છે, વ્યાજ દરો છે તેનાથી પણ ઘટવાના છે, રૂપિયાની ખરીદશક્તિ ઘટી છે, તેનાથી પણ ઘટવાની છે. આ એકપણ પરિબળો પર આપણો અંકુશ નથી. તેથી તેના વિશે ચર્ચા કરવા કરતા શિસ્તપુર્વકનું રોકાણ, સહેતુરોકાણ, પાંચ કે તેનાથી વધુ વર્ષ રોકાણ કરતા રહેવાની અને ટકી રહેવાનું સંયમ અને આજથી જ શરૂઆત, આ તમામ પરિબળો આપણા અંકુશમાં રહેવાના છે, તેના પર જ ઝુમ કરવું આપણા સૌ માટે હિતકારી છે.
આ કેવળ બ્લોગ નથી, બચત સંકલ્પનું સ્ત્રોત છે. તમારા મિત્રો, પરિવારજનો કે સહકાર્યકર્તા સાથે જરૂરથી શેર કરજો. તમારી ભવિષ્યની નાણાકીય જરૂરિયાતને પહોંચી વળવાનો રસ્તો તો આ જ રહેશે. શિસ્તપુર્વકનું માસિક ઇક્વીટીબેઇઝ રોકાણ. તમારો એક હેતુ મને ઉછેરવા આપશો તો આ બચત સંકલ્પ અભિયાન ખરા અર્થમાં સફળ બની રહેશે.